ખેરગામ ખાતે જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ ઉજવાયો.

  


ભારતના ૭૭મા સ્વાતંત્ર્યપર્વની ભારતભરમાં ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખેરગામ સ્થિત હેલીપેડ ગ્રાઉન્ડ, આઇ.ટી.આઇ. ની બાજુમાં સરસીયા રોડ ખાતે જિલ્લા કલેકટર શ્રીમાન અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. કલેકટરશ્રીએ દેશભક્તિનાં અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ નિમિત્તે
જિલ્લાની વિવિધ કોલેજ-શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ  પ્રસ્તુત કરી સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું. 


આ અગાઉ, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે પોતાનાં પ્રવચનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સહિતનાં સ્વાતંત્ર્ય વીરોનાં બલિદાનને યાદ કરી સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, દેશની સ્વતંત્રતા કાજે પોતાના જાન ન્યોછાવર કરનાર અનેક વીર સપૂતોનાં બલિદાનોનાં કારણે મળેલી આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમનાં યોગદાનને યાદ કરવાનાં શુભ આશયથી સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે.

વધુમાં કલેકટરશ્રીએ કહયું હતું કે, આ 'આઝાદીન કા અમૃત મહોત્સવ' અંતર્ગત સમગ્ર દેશમાં અને રાજ્યમાં 'મેરી મિટ્ટી મેરા દેશ '  અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ દેશભક્તિનું મોજું જન ભાગીદારીથી મહેકી ઉઠ્યું છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ ઘરો પર તિરંગો લહેરાવી અનોખી રીતે ઉજવણી કરી સહભાગી થવા બદલ તમામ જિલ્લાવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રસંગે જિલ્લના વિવિધ વિભાગોની કામગીરી વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં પી.એમ.આવાસ યોજના, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાલક માતાપિતા યોજના, દિવ્યંગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલાલક્ષી યોજનાઓ અને આદિજાતિ વિકાસ યોજનાઓના લાભો અને તેનાથી આવેલા પરિવર્તન વિશે જણાવ્યું હતું.

જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે," આ મોંઘેરી, વ્હાલી આઝાદી મેળવવાની લડાઈમાં નવસારીનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે." નવસારી જિલ્લાના અનેક વીરોએ સ્વતંત્રતા સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનને કલેકટરશ્રીએ યાદ કરતા આદરાંજલિ પાઠવી હતી.

સ્વતંત્રતા દિવસની આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર, ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, મદદનીશ કલેકટરશ્રી ઓમકાર શિંદે, નિવાસી અધિક કલેકટરશ્રી કિરીટસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, અગ્રણી શ્રી શીતલબેન સોની સહિતનાં વિવિધ પદાધિકારીઓ- વરિષ્ઠ અધિકારીઓ- કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ-નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


નવસારી જિલ્લાનાં કલેક્ટર શ્રીમાન અમિત પ્રકાશ યાદવ સાહેબના હસ્તે નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતી ધૃવિની પટેલને પ્રશસ્તિપત્ર એનાયત.

Post a Comment

0 Comments