પારડીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન.
--- વર્ણમાળા, જોડાક્ષર અને ધ્વનિ ઘટકની સમજૂતી સાથે ભાષાશુદ્ધિ, પદક્રમ અને અનુસ્વારનાં સાચા પ્રયોગો દર્શાવ્યાં.
ગુજરાતના માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ભાષા સંવર્ધન, સજ્જતા અને સંરક્ષણ માટે પ્રતિષ્ઠાનના અગ્રણી અને બાળ વિશ્વ વિદ્યાલયના પૂર્વ કુલપતિ હર્ષદભાઈ શાહના સહજ, સરળ અને રસપ્રદ સંચાલન દ્વારા પારડીની શ્રી બ્રહ્મર્ષિ સાતવળૅકર સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા સ્વાધ્યાય મંડળ ખાતે એક દિવસીય કાર્યશાળા સંપન્ન થઈ હતી.
કાર્યશાળાના ઉદ્ઘાટન અવસરે સ્વાધ્યાય મંડળના અગ્રણી અને સંસ્કૃત બોર્ડના સભ્ય રાજેશભાઈ રાણાએ માતૃભાષા ગુજરાતીના હર્ષદભાઈ શાહના અનન્ય ભાષા પ્રેમ અને કૌશલ્ય દ્વારા શિક્ષણથી સૌ ગૌરવાન્વિત થશે એવી કામના સાથે ગંધાક્ષત અને સ્મૃતિભેટથી હાર્દિક સ્વાગત કર્યું હતું. ચાર સત્રીય કાર્યશાળામાં એક એક વર્ણના મહત્વ સાથે વર્ણમાળા, જોડાક્ષર અને ધ્વનિ ઘટકની રસપ્રદ સમજૂતી સાથે ભાષાશુદ્ધિ, પદક્રમ અને અનુસ્વારનાં સાચા પ્રયોગો પોતાની અનોખી શૈલીમાં દર્શાવ્યાં હતાં. જોડણીના વિવિધ નિયમો સમજાવી એક જ્ઞાનવર્ધક કસોટી દ્વારા ભાષા જ્ઞાનનું સ્વમૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સમાપન- પાથેય આપતા હર્ષદભાઈ શાહે શુદ્ધ ગુજરાતી ભાષા સમજી અને તેના સતત અભ્યાસ દ્વારા ભાષાપ્રેમ દાખવી માતૃભાષાના સંવર્ધન માટે જાગ્રત પ્રયાસ કરવા સૌને અનુરોધ કર્યો હતો. માતૃભાષાના ગૌરવ સંવર્ધન માટેની આ કાર્યશાળામાં શિક્ષક, પત્રકાર, જિજ્ઞાસુ નાગરિક અને વિદ્યાર્થીઓએ સંવાદપૂર્ણ સહભાગી થઈ માતૃભાષાના મહિમામયી પ્રશિક્ષણને માણ્યું હતું.
કાર્યશાળા અંગે શિવમ જાની અને દર્શનાબહેન કનાડાએ માતૃભાષા અંગે પ્રાપ્ત થયેલા શિક્ષણ અંગે અનેરો આનંદ ભાવ વ્યક્ત કરી માતૃભાષા અંગે સતત કાર્યક્રમો યોજાય એવી અભિલાષા દર્શાવી હતી. સ્વાધ્યાય મંડળના કાર્યાધ્યક્ષ ડૉ. ઠોસરે સંસ્કૃત-ગુજરાતી ભાષાના ગૌરવને સંવર્ધિત કરતી કાર્યશાળા માટે ખુશી વ્યક્ત કરી હર્ષદભાઈ શાહનું ગંધાક્ષત અને પુસ્તક પુષ્પ દ્વારા ઋણ સ્વીકાર કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ મહેતાએ કર્યું હતું.
સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૭ સપ્ટેમ્બર
0 Comments