દક્ષિણ ગુજરાતના એવા શિક્ષણના સારથિઓ, જે માત્ર શિક્ષણકાર્ય જ નહીં, સમાજ સેવાને પણ આપે છે પ્રાધાન્ય

                     

તા.૫મી સપ્ટે: શિક્ષક દિવસને અર્પણ..

-------

શિક્ષણ સાથે સેવાની સાધના.. આવા શિક્ષકોને કોટિ કોટિ નમન

દક્ષિણ ગુજરાતના એવા શિક્ષણના સારથિઓ, જે માત્ર શિક્ષણકાર્ય જ નહીં, સમાજ સેવાને પણ આપે છે પ્રાધાન્ય

ધરમપુરના ઋષિત મસરાણી.. શિક્ષણ સાથે સમાજસેવાનું બહેતર માધ્યમ

પુસ્તકના જ્ઞાનની સમાંતર બાળકોને વ્યવહારૂ જ્ઞાન આપતા સુરતના માંડવી તાલુકાની વાડી સ્વતંત્ર પ્રા.શાળાના શિક્ષક સુનિલભાઈ ચૌધરી

વાંસદા રંગપુર પ્રાથમિક શાળાના આચાર્ય નીતિન પાઠકે શાળાને રાષ્ટ્રીય ઓળખ અપાવી

શામળિયાએ સુદામાને પૂછેલું કે, ' બચપણમાં આપણે સાથે ભણતા તે તને હજુ સાંભરે છે?' સુદામાએ ઉત્તરમાં કહેલું 'હા, સખા એ અનન્ય દિવસો... મારાથી કેમ વિસરાય?' ઝાડને છાંયડે બેસી ગુરુ ભણાવતા અને શિષ્યો ગુરુમુખેથી વહેતા અસ્ખલિત જ્ઞાનપ્રવાહને એકાગ્રતાથી ઝીલતા. વિશ્વમાનવતા, કરુણા, શાંતિના પાઠ ભણતા. આ બધું આધુનિકતાના અંધારામાં ક્યાંક ગુમ થઈ ગયું છે.’

            'એક મા સો શિક્ષકની ગરજ સારે છે તો 'એક શિક્ષક અનેક બાળકોની માતા બનાવાનું સામર્થ્ય કેમ ન ધરાવી શકે?'  આ મંત્ર લઈને નીકળેલો સેવા અને શિક્ષણનો ભેખધારી ઋષિત આજ પર્યંત અડગ છે.

             ત્રણ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ ઉપરાંત જીપીએસસી સહિત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા અને શિક્ષક બનવા માટેની બબ્બે પ્રવેશપરીક્ષા પાસ કરનારો વલસાડના ધરમપુરનો યુવાન જયારે મોટી રકમની નોકરી અવગણીને પોતાની આવડતનો ઉપયોગ જરૂરિયાતમંદોને સાથ આપવા માટે કરે અને આખેઆખું આયખું વનવાસી કલ્યાણના નામે નોંધાવે તો પછી એ ઋષિ સમાન બની જાય છે.

              જર્મનીમા લાખો રૂપિયાની ઓફર ઠુકરાવી ધરમપુર ન છોડવાની જીદ બાદ હાલમાં છેલ્લા ત્રણ વર્ષથી ધરમપુરની સાર્વજનિક માધ્યમિક શાળા, વિરવલમા સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તે નોકરીના પગારનો એક ભાગ સેવાકાર્ય માટે વાપરે છે. શાળામાં જોડાયા બાદ માસિક ધર્મને કારણે વિદ્યાર્થીનીઓ અનિયમિત આવતી હોવાતી તેઓએ વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી પેડ બેંકની સેવા ચાલું કરી. એક પુરુષ શિક્ષક પેડબેંક ચલાવે એ જ સરહાનીય છે. તેમના વિદ્યાર્થીઓ બોર્ડમા તાલુકામાં અવ્વલ આવે છે. તેઓ અંગ્રેજી અને મનોવિજ્ઞાન વિષય ભણાવે છે, તેનું પરિણામ ૧૦૦ % આવેલ છે. સાથે જૂની સેવા પ્રવૃતિઓ પણ યથાવત છે.

             ઋષિતભાઈ કહે છે કે,' મેં અમેરિકન અને બ્રિટિશ અંગ્રેજી સાથે બે વાર એમ.એ અને પછી એમ.એડ. પણ કર્યું. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી, પણ મને એમ થતું કે મારું શિક્ષણ જો મારા  આદિવાસીઓને કામ ન આવે તો ભણતર વ્યર્થ છે'

              બાળપણથી જ શિક્ષક બનવાનું સપનું જોતા ઋષિતે ૧૧ મા ધોરણથી જ વનવાસી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં જઈને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું, આ રીતે વર્ષ ૨૦૦૫ થી ધરમપુરમા 'મસ્તી કી પાઠશાળા'નો ઉદય થયો. વખત જતાં આ પાઠશાળા અંતર્ગત ૭૦૦૦ થી વધુ બાળકોને શિક્ષણ મળ્યું છે. અહીં ફક્ત પાઠ્યપુસ્તકો નહી, પણ જીવનમૂલ્યોના પાઠ ભણાવવામા આવે છે, ભોજન પીરસવામા આવે છે અને સ્વાવલંબી બનવાની શીખ સાથે આત્મનિર્ભરતાની તાલીમ પણ આપવામાં આવે છે. આ પાઠશાળાના ઘણા વિદ્યાર્થીઓ પ્લમ્બરથી લઈ મામલતદાર, શિક્ષક તેમજ અનેક સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. છેક અમેરિકા અને બ્રિટનમા પણ આ ‘મસ્તી કી પાઠશાળા’ ચાલે છે. ઋષિતે પહેલ ટી સ્ટોલ પણ શરુ કરેલો, જેની આવકમાંથી એકલા રહેતા વૃદ્ધ તથા હોસ્પિટલમા જરૂરતમંદોને ટિફિન પહોંચાડવામા આવે છે.

               અમે ઋષિતને પૂછીએ છીએ કે નોકરીની ઈચ્છા જ નહોતી તો આટલી બધી ડિગ્રીઓ કેમ લીધી? જવાબમા ઋષિત કહે છે કે 'હું ક્યાં છું એની ઓળખ મારે કરવી હતી. મારે મારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવાં હતાં, એટલે એનો જાત અનુભવ મારી પાસે હોવો જરૂરી હતો. જર્મન, બ્રિટિશ -અમેરિકન અંગ્રેજી અને સ્થાનિક કુંકણી અને ઢોડીયા બોલી પણ હું શીખ્યો. આદિવાસીઓને એમની જ બોલીમાં શિક્ષણ સમજ આપું છું. વાંચન, નૃત્ય, અભિનય, ગરબા અને સંગીત વગેરે પણ શીખવું છું. અને ખાસ તો તેઓમાં કૌશલ્યનો વિકાસ થાય તે માટે કોમ્પ્યુટરની તાલીમ પણ આપું છું. સાથે હકારાત્મક જીવન જીવવા માટે  ધ્યાન, યોગ અને પ્રાણાયામ પણ શીખવું છું.

              ભવિષ્યના આયોજન વિશે ઋષિત કહે છે કે, 'એવા પણ લોકો છે જેનું સરનામું જ નથી, આધારકાર્ડ સુદ્ધા નથી, આવા બાળકો માટે હુન્નર શાળા બનાવવી છે, જયા વિદ્યાર્થીઓ માણસાઈના પાઠો સાથે આર્થિક રીતે મજબૂત થઈ આત્મનિર્ભર બની શકે'


વાંસદા રંગપુર પ્રાથમિક શાળાના આચાર્ય નીતિન પાઠકે શાળાને રાષ્ટ્રીય ઓળખ અપાવી

.......

             નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી રંગપુર પ્રાથમિક શાળા એવી શાળા જયાં બાળકો માટે કલરવ –કિલ્લોલ સાથે શિક્ષણ મળે એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. વેકેશન હોય ત્યારે પણ શાળાના આચાર્ય બાળકોને અવનવી પ્રવૃતિઓ કરાવે છે. કહેવાય છે કે, ટેકનોલોજી સાથે અગ્રેસર એવી આ શાળાને નેકસ્ટ જનરેશન ઓફ ગવર્નમેન્ટનું ઉપનામ મળ્યું છે. શિક્ષણ ક્ષેત્રે આગવી સુઝ અને ટેકનોલોજીનો ઉપયોગ શાળામાં પહેલેથી જ થાય છે. શાળાએ ૧૮ જેટલા ઈનોવેશનમાં ભાગ લીધો છે અને રાજયકક્ષા સુધી સિદ્ધિ મળી છે. શાળામાં ન્યુઝ ચેનલ પણ ચાલે છે. દરમાસની પ્રવૃતિઓના સમાચાર વિદ્યાર્થીઓ વાંચે છે. તાજેતરમાં રંગપુર ન્યુઝને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. આ ઉપરાંત શાળાને સ્વચ્છ શાળા એવોર્ડ પણ મળ્યો છે. આચાર્યશ્રી નીતિન પાઠકને અગાઉ રાજય શિક્ષક તરીકે પણ એવોર્ડ મળ્યો છે. 

            નીતિનભાઈ કહે છે કે, બાળકોને બાળક તરીકે નહી, પણ દિકરા-દિકરી તરીકે રાખીએ છીએ. ગામના સારા-નરસા પ્રસંગોમાં અમારે સહભાગી થવું પડે. સમાજ જાગૃતિ માટે પણ કયારેય પાછી પાની નથી કરી. અને શાળાના વિકાસમાં ગ્રામજનોનો સહયોગ પણ ખુબ જ રહયો છે. 


એક શિક્ષક આવા પણ..

-------

પુસ્તકના જ્ઞાનની સમાંતર બાળકોને વ્યવહારૂ જ્ઞાન આપતા સુરતના માંડવી તાલુકાની વાડી સ્વતંત્ર પ્રા.શાળાના શિક્ષક સુનિલભાઈ ચૌધરી

-------

             ‘પ્રવૃતિયુક્ત અને પ્રગતિશીલ વિદ્યાર્થી માટે પ્રવૃત્તિમય શિક્ષકનું હોવું અનિવાર્ય છે’ આ વિચાર સાથે કાર્યરત માંડવી તાલુકાની વાડી સ્વતંત્ર પ્રા.શાળાના શિક્ષક સુનિલભાઈ ચૌધરીએ રોજેરોજ પેકેટ ફૂડ ખાતા તેમની શાળાના વિદ્યાર્થીઓને સાચી સમજ અને યોગ્ય દ્રષ્ટાંત દ્વારા  તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રોત્સાહિત કર્યા અને સમય સાથે તાલ મિલાવી શાળાના પરિસરને પ્લાસ્ટિક મુક્ત ઝોન બનાવી બાળકોને સંપૂર્ણ મધ્યાહન ભોજનનો લાભ લેતા કર્યા. તેમણે બાળકોને પર્યાવરણ સાથે જોડવા અને શાળામાં પ્લાસ્ટિકનો નિષેધ કરવા શાળામાં ભેગી થતી બાયોડિગ્રેડેબલ દૂધની થેલીઓમાં છોડવા રોપવાની નવી પહેલ શરૂ કરી આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને પણ સામેલ કર્યા. તેઓ થેલી સહિતના રોપા સીધા જમીનમાં કે કુંડામાં વાવી શાળાના પ્રાંગણને હરિયાળું બનાવે છે. અને બાકીના રોપાઓને નજીકની શાળાઓમાં વિતરણ કરી અન્યોને પણ પ્રોત્સાહિત કરે છે. 

            શિક્ષક સુનિલભાઈ છેલ્લા બે વર્ષથી બાળકોના જન્મદિવસ નિમિત્તે બાળકોને શાળામાં ઉગાડેલા છોડ ભેટમાં આપે છે. બાળકોને ઔષધિય છોડનું જ્ઞાન મળે તે હેતુથી ઔષધિઓના લાભ અને ગેરલાભના બેનરો થડ સાથે ચીપકાવે છે. બાળકોને સૂકા કચરામાંથી ખાતર બનાવવા સહિતની વેસ્ટ માંથી બેસ્ટ ક્રિએટિવ પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓને રસ લેતા કર્યા છે.  

             વાવેતર બાદ બાળકો છોડનું જતન કરે તે માટે બાળકો તે છોડને ભાઈ કે બહેન બનાવી રાખડી બાંધે છે. બાળકોને છોડ ઉગાડવાથી લઈ વેચાણ સુધીનો ખર્ચ અને તેમાંથી મળતા નફાની સમજૂતી આપી વ્યવસાયલક્ષી જ્ઞાન આપવામાં આવે છે. આ વર્ષે સુનિલભાઈ બાળકોને કોકોપીટ, પાંદડા અન્ય વનસ્પતિ કચરામાંથી કુંડા બનાવવાનું શીખવાડશે, જે થકી સપ્ટેમ્બર માસના અંત સુધી ૭૦૦ જેટલા છોડોનો ઉછેર કરી આજુબાજુની શાળામાં ભેટ રૂપે આપવામાં આવશે.


શંકરભાઈ પટેલ શિક્ષણ સાથે આદિવાસી ક્ષેત્રના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી શકે તે માટે ૧૨ જેટલી વાંચન કુટિરો શરૂ કરાવી

.......

            ધરમપુર તાલુકાની આવધા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી શંકરભાઈ પટેલ શિક્ષણ સાથે રજાના દિવસોમાં સમાજસેવાની પ્રવૃતિઓ કરી રહયા છે. રેમ્બો વોરિયરના નેજા હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા સેવાની શરૂઆત કરી હતી. આજે સમાજસેવી સંસ્થાઓનો સહયોગ મેળવી અન્ય સેવાકીય પ્રવૃતિઓ કરી રહયા છે. 

  તેઓ કહે છે કે,  શિક્ષક તરીકેનો ધર્મ બજાવવો એ અમારી ફરજ છે. પરંતુ શાળાના સમય બાદ સામાજિક પ્રવૃતિ સાથે જોડાઈને માનવધર્મ બજાવું છું. આવા કાર્યમાં આનંદ સાથે આત્માને એક સારૂ કાર્ય કરવાનો અવસર મળે છે. 

 શંકરભાઈની સેવા પ્રવૃતિને કારણે ધરમપુર આજુબાજુ વિસ્તારમાં સેવાભાવી સંસ્થાઓના સહકાર વડે ૧૨ જેટલી વાંચન કુટિર ચાલે છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની છે. આ વાંચન કુટિરોમાં જરૂરિયાત મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ દાતાઓના સહયોગથી વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. આ ઉપરાંત તેઓ અનેક સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા છે. બ્લડ ડોનેશન કેમ્પ, હોઈ કે અન્ય પ્રવૃતિ હોય તેઓ સદાય તત્પર રહે છે. 


શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે

---------  

          ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાથમિક તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઈ પટેલ શિક્ષણ સાથે સેવા સાધનાને સાર્થક કરી રહયા છે. સંકલ્પ વોટસઅપ ગૃપના માધ્યમ વડે વલસાડ થી છોટાઉદેપુર સુધી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ માર્ગદર્શન આપી રહયા છે. નવસારી જિલ્લાના મહુડીના વતની એવા મિનેષભાઈ પટેલ સંકલ્પ ગ્રુપના સ્થાપક સદસ્ય પૈકીના એક છે. તેમણે જણાવ્યું હતું કે, હોસ્ટેલ કે આશ્રમશાળામાં રહેતા બાળકો, ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોનું ફી કે શૈક્ષણિક સામગ્રી વિના ભણતર ન અટકે, અધવચ્ચે અભ્યાસ ન છોડે એ માટે તેમને નોટબુકસ, ઓઢવાના ધાબળા, ચાદર, સ્ટડી કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો બે બાળકો વચ્ચે એક સેટ, યુનિફોર્મ, કપડાં જેવી જરૂરી ચીજવસ્તુઓ ગ્રુપના ૧૦ હજારથી વધુ સભ્યો પૂરી પાડી છે. 

             સામાન્ય રીતે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ ગોસિપ માટે, મનોરંજક પોસ્ટ શેર કરવા, એકેડેમિક કે વ્યાવસાયિક હેતુ માટે કરવામાં આવતો હોય છે, પરંતુ નોબેલ કોઝ એટલે કે ઉમદા હેતુ માટે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ કરવાનું આ શિક્ષકમિત્રો પાસેથી શીખવા જેવું છે. સંકલ્પ ગૃપના નેજા હેઠળ સભ્યો વોટ્સએપ ગ્રુપ થકી ડિજીટલ ટેકનોલોજીનો સાર્થક ઉપયોગ કરી જરૂરતમંદ વિદ્યાર્થીઓ, નાગરિકોને આર્થિક મદદ કરી રહ્યા છે. સમાજમાં આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસમાં મદદરૂપ કુલ ૧૦ વોટ્સએપ ગ્રુપ કાર્યરત છે, જેમાં પ્રત્યેક ગ્રુપમાં ૧૦૨૪ સભ્યો સમાવિષ્ટ છે. સમાજસેવાના મુખ્ય ઉદ્દેશ સાથે કાર્યરત આ જાગૃત્ત સેવાભાવી નાગરિકોના સમૂહે આજ સુધી ૬૭ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂ.૧૨ લાખથી વધુની આર્થિક મદદ કરી છે. 

               મિનેષભાઈ કહે છે કે,  શિક્ષણ સિવાય સમાજનો ઉદ્ધાર નથી. નવી પેઢીને શિક્ષણ આપીશું તો જ સમાજને તેજસ્વી, સભ્ય અને હોનહાર નાગરિકો મળશે. બાળક ભણવામાં હોશિયાર હોય પણ ફી ભરવામાં સમસ્યા હોય તો અમે એવા બાળકોની માહિતી મેળવીને આર્થિક મદદ કરીએ છીએ. એકવાર જનજાગૃતિ આવશે પછી આવા સેવાકાર્ય માટે નાના લોકો પણ જરૂરતમંદોની મદદ માટે આગળ આવશે.  સાથે આદિવાસી ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ યોજનાથી પણ વાકેફ કરીને સરકાર અને સહકારના સંયોગ વડે આદિવાસી વિસ્તારના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી રહયા છે.








તા.૫મી સપ્ટે: શિક્ષક દિવસને અર્પણ.. ------- શિક્ષણ સાથે સેવાની સાધના.. આવા શિક્ષકોને કોટિ કોટિ નમન ------- દક્ષિણ...

Posted by Information Surat GoG on Wednesday, September 4, 2024

Post a Comment

0 Comments