Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ
ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો
* છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન
* આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં બાલાવાટીકાનું નામાંકન ૯૬, અન્ય શાળામાંથી આવેલ કુલ બાળકો ૩૫, ખાનગી શાળામાંથી છોડી આવેલ બાળકો ૨૧ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું છે. આ શાળામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦૦ થી વધુ બાળકો ખાનગી શાળા છોડીને આ શાળામાં દાખલ થયા છે. આણંદ જિલ્લાની સૌથી વધુ સંખ્યા ધરાવતી આ પ્રાથમિક શાળામાં કુલ સંખ્યા ૮૯૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયાં છે. જેમાં ધોરણ ૧ થી ૮ ના દરેકના ત્રણ - ત્રણ વર્ગો છે, આ ઉપરાંત આ પ્રાથમિક શાળામાં કુલ શિક્ષકોની સંખ્યા ૨૬ છે જયારે ૨૫ વર્ગખંડોમાંથી શાળાના કુલ ૧૫ વર્ગો સ્માર્ટ ક્લાસની સુવિધા ધરાવે છે. પ્રકૃતિમય વાતાવરણ ધરાવતી આ શાળામાં કમ્પાઉન્ડ વોલની સુવિધા, ઇન્ડોર અને આઉટડોર રમત ગમતની સુવિધા જેમાં ટેબલ ટેનિસ, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ અને બોક્સિંગ જેવી સુવિધા સાથે સાથે લપસણી અને અન્ય સુવિધાઓ વિદ્યર્થી માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત કુલ ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયની અલાયદી વ્યવસ્થા જેમાં ૨૦૦૦ થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે, કન્યાઓ માટે સેનેટરી પેડ માટેનું વેન્ડિંગ અને ઇન્સિલેટર મશીનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ઉપરાંત શાળામાં બાળકોની સલામતી માટે ૩૦ જેટલા સીસીટીવી કેમેરા અને ફાયર સેફટીની અદ્યત્તન સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશેષ તૈયારીઓ પણ કરાવવામાં આવે છે. જેમાં સીઈટી અને જ્ઞાન સાધના, નવોદય અને એન.એમ.એમ.એસ. ની પરિક્ષાઓમાં છેલ્લા ૩ વર્ષથી આ શાળાના સૌથી વધુ વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે. એટલું જ નહી પરંતુ ગુણોત્સવમાં શાળા છેલ્લા ત્રણ વર્ષથી ‘એ’ ગ્રેડ ધરાવે છે. આ વર્ષે શાળા ગ્રીન થ્રી ( ૮૫.૨૭ ટકા ) આવેલ છે. આણંદ તાલુકાની હાડગુડ પ્રાથમિક શાળામાં બાળકો માટે સુરક્ષા - સલામતીની સુવિધાઓ, ઇકો ક્લબ પ્રવૃત્તિ, પરંપરાગત દિવસોની ઉજવણી અને એના સાથે પર્યાવરણના ખોળે પક્ષીઓના કલરવ વચ્ચે રમતું બાળકોનું ઉલ્લાસ ભર્યું બાળપણ એ શાળાની ખાસિયત બની ગઈ છે. આ શાળામાં બાલવાટિકા અને ધોરણ ૧ થી ૫ માં કુલ ૫૫૫ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જે પૈકી ૨૮૫ છોકરા અને ૨૭૦ છોકરીઓ છે. જ્યારે ધોરણ ૬ થી ૮ માં કુલ ૩૪૩ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેમાં ૧૫૭ છોકરાઓ અને ૧૮૬ છોકરીઓનો સમાવેશ થયો છે. આમ, આ શાળામાં આશરે ૪૫૬ જેટલી તો ફક્ત વિદ્યાર્થીનીઓ જ અભ્યાસ કરી રહી છે. બીજી તરફ પુસ્તક પ્રેમી વિદ્યાર્થીઓ માટે વિવિધ પુસ્તકો વાંચન માટે બેઠક વ્યવસ્થા સાથેની લાયબ્રેરી ક્લાસની પણ સુવિધા છે. શાળામાં પ્રવેશ કરીએ એટલે શાળાના પ્રવેશ દ્વાર થી લઈને લોબી અને ક્લાસ રૂમ સુધી બાળકોએ પ્રેમ થી જતન કરેલા છોડના રંગબેરંગી કુંડાઓ અને બાળકો એજ બનાવેલ ચકલી ઘર જોવા મળે છે. અલગ અલગ છોડ અને પક્ષીઓના કલરવના સુમધુર વાતાવરણમાં બાળકોમાં પર્યાવરણ પ્રેમનું પણ સિંચન કરવામાં આવી રહ્યું છે. એમાંય શાળામાં પરંપરા અનુસાર જે વિદ્યાર્થીનો જન્મદિન હોય તેના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવે અને એજ છોડને સાચવવાની જવાબદારી સોંપવામાં આવે છે. આ શાળામાં ૧૮ એલસીડી પ્રોજેક્ટર જેવી અદ્યતન સુવિધાથી સજ્જ છે. આ સાથે શાળા બાળ સાંસદ, જ્ઞાનકુંજ, જ્ઞાન સંગમ જેવી સરકારની પહેલમાં પણ ખુબજ ઉત્સાહ પૂર્વક કામગીરી થઇ રહી છે. દરેક વસ્તુ ક્લાસરૂમમાં ન શીખી શકાય એ વાત ને ખુબજ સારી રીતે સમજતા વિદ્યાર્થીઓને દર વર્ષે પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત, બેંક, સરકારી દવાખાનું, દૂધ ડેરી અને પોલીસ સ્ટેશનોમાં મુલાકાત માટે લઈ જવામાં આવે છે. અચરજની વાત તો એ છે કે છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જે પહેલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા જે છોડીને હાડગુડ પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ અર્થે આવ્યા છે. સરકારી શાળામાં દિવસે અને દિવસે વધતી જતી સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ લોકોને આંખે આવીને વળગતા ઘણા વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો છે. આમ, આવનાર સમયમાં ભાવિ પેઢીના નિર્માણ માટે હાડગુડ પ્રાથમિક શાળા જેવી અનેક શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૪ના સફળ અમલીકરણ માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ * ચાલુ વર્ષે...
Posted by Info Anand GoG on Tuesday, July 16, 2024
0 Comments