Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો

 Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો


નિઝર, ઉચ્છલ, કુકરમુંડા તાલુકાના મોટાભાગના ગામોમાં આદિવાસી સમાજનો વસવાટ છે. આદિવાસી સંસ્કૃતિને ટકાવી રાખવા સાથે પ્રકૃતિદેવોની પૂજનાર સમાજે વર્ષોથી ચાલી આવેલી વડવાઓની પરંપરાને જાળવી રાખી છે. હાલમાં ઠેર-ઠેર નાંદુરા દેવની પૂજા-અર્ચનાની વિધિઓ યોજવામાં આવી રહી છે. પ્રકૃતિના પ્રથમ એવા નાંદુરા દેવનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે પ્રથમ વરસાદે પડેલા વરસાદને લીધે ઉગેલા લીલા ઘાસને નંદુરો તરીકે ઓળખવામાં આવે છે. આ નંદુરો-કૂણું ઘાસ કે ખેતરોમાં વાવેતર કરેલ બીજ ઉગ્યા પછી એ પાક કે ઘાસચારો કોઇપણ કુદરતી આફતથી નષ્ટ ન થાય અને સારી રીતે વૃદ્ધિ પામી શકે. મનુષ્યજાતિ કે પશુઓ માટે કોઈ પણ પ્રકારની આફત ન આવી પડે, ઘાસચારો પશુઓ માટે હિતકારક બની રહે તેવી નાંદુરા દેવને પ્રાર્થના કરવામાં આવે છે. ગામમાં જે દિવસે નાંદુરા દેવની પૂજા નક્કી થાય તેની જાણકારી માટે આખા ગામમાં ઢંઢેરો પીટવામાં આવે છે, જેથી આસ્થા ધરાવતા લોકો પોતાના કામકાજ માટે કે ખેતીકામ માટે જતા નથી અને પૂજા-અર્ચના માટે સમય ફાળવે છે. પ્રકૃતિદેવનું સ્થાન ગામની પાદરે કે ગૌચરની ખુલ્લી જગ્યા ઉપર રહેતું હોય ત્યાં પહોંચી ગામના ખેડૂતો, વૃદ્ધો, મહિલાઓ, બાળકો ગામના પૂજારીની સૂચના-માર્ગદર્શન મુજબ પૂજાવિધિ કરે છે.

લોકોને ગળ્યો ઘાટો પ્રસાદીમાં આપવામાં આવે છે. વનવગડામાં ઉગી નીકળતી વનસ્પતિ કે કોઈપણ ઘાસચારો પશુઓ આરોગે તો જેઓ ઉપર કોઈ કુદરતી આફત ન આવે તે માટે નાંદુરા દેવને રિઝવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આસ્થા અને પરંપરા મુજબ છેવાડાના તાલુકામાં આદિવાસી પરિવારોએ પૂજા-અર્ચના ચાલુ રાખી છે.

ઘરમાં સુખ-શાંતિ રહે તે માટે પૂજા કરવી જરૂરી છે.

આ અંગે નિઝર ગામના પૂજારી ડોગરીયામામા (બારકિયાભાઇ પાડવી) એ જણાાવ્યું હતું કે, આ નંદુરો, પાલુડયો, ઘાટો દેવ એ એક દેવ જુદાજુદા નામથી ઓળખાય છે. જેની પુજા-અર્ચના કરવાથી વરસાદથી ઉગી નીકળેલ વનસ્પતિ કે ઘાસચારો પશુ ખોરાક તરીકે લે તો નુકસાન થતું નથી. ખેતીમાં નાખેલું અનાજ ઉગી નીકળ્યું હોય જે બગડી જતું નથી, ખેડૂતો સારી ઉપજ લણી શકે છે. છે. ઘરમાં સુખ-શાંતિ રહે તે માટે પૂજા કરવી જરૂરી છે.


Post a Comment

0 Comments